શ્રી બેંગલોર લોહાણા મહિલા મંડળ ૧૯૮૨-૨૦૨૦
ડાબી બાજુથી (બેઠેલા) : નલીનીબેન તન્ના (સહમંત્રી), પ્રતિમાબેન લાલ (મંત્રી), પ્રતિમાબેન રૂખાણા (ઉપ પ્રમુખ), વિમુબેન સોઢા(પ્રમુખ) નીનાબેન માણેક તથા રેખાબેન ઠક્કર (ખજાનચી)
ડાબી બાજુથી (ઉભેલા) સરયુબેન કોઠારી, ઈન્દુબેન સેદાણી, ઈલાબેન ચંદારાણા, આશાબેન બરછા, શોભાબેન કક્કડ, પ્રતિમાબેન મુલાણી, હરબાળાબેન રાજા, મીતાબેન મોદી તથા રેણુકાબેન સેઠીયા
સન ૧૯૮૨ માં બેંગલોર લોહાણા જ્ઞાતિ સંમેલન યોજાયું તે સમયે શ્રીમતી વિમુબેન સોઢા દ્વારા બેંગલોર લોહાણા મહિલા મંડળની સ્થાપના કરવામાં આવી હતી. ફક્ત ૧૨ બહેનોની સદસ્યતાથી શરૂ કરેલ, આ મંડળના આજ લગભગ ૫૦૦ આજીવન સભ્યો છે. સમાજના બધાજ સ્તરના બહેનો તેમાં જોડાઈ શકે તે માટે આજીવન સભ્ય ફી ફક્ત રૂ. ૨૫૦/- રાખવામાં આવી છે.
મંડળ ના પ્રથમ પ્રમુખ શ્રીમતી જયાબેન લાખાણી અને ત્યાર બાદ શ્રીમતી જ્યોતિબેન માખેચા એ મંડળની પ્રવૃતિઓનો મજબૂત પાયો નાખ્યો. તેમના પછીના પ્રમુખ શ્રીમતી વિમુબેન સોઢાએ પ્રવૃતિઓનો અદ્ભુત વેગ આપ્યો. તેમણે જલારામ ભવનના નિર્માણમાં યોગદાન આપવા માટે બહેનોને અપાર પ્રેરણા આપી અને ૧૯૯૪ ફેબ્રુઆરી ના પહેલા ગુરૂવારથી સમાજના ઘરે-ઘરે જઈ પૂ.બાપાની ભજન યાત્રા શરૂ કરી, જે ૧૯૯૯ જાન્યુઆરી સુધીમાં ૧૫ લાખ રૂપિયાની માતબર રકમ મહિલા મંડળ તરફથી એકઠી કરી પૂ. બાપાના ચરણોમાં ધરી.
દક્ષિણ ભારતના મહિલા વિભાગના પ્રમુખ તરીકે ૬ વર્ષની અવધિ દરમ્યાન બેંગલોર મહિલા મંડળના અનેરા ઉત્સાહ અને સહકારથી બાલ મંડળ, સત્સંગ મંડળ અને ગીત ગુંજન ની સ્થાપના કરી. દક્ષિણ ભારતના તમામ મુખ્ય શહેરોમાં બાલમંડળની સ્થાપના કરાવી તેમાં ગુજરાતી ભાષાનું જ્ઞાન અને ધાર્મિક સંસ્કારો રોપવાનું સિંચન કર્યું. આ સમય દરમ્યાન બે શિશુ સંમેલન પહેલું ૨૦૦૪ માં કન્યાકુમારીમાં અને બીજુ સંમેલન ઉટીમાં યોજી અંગ્રેજીમાં હનુમાન ચાલીસાનું આયોજન હર્ષાબેન સોઢાના નેતૃત્વમાં કરેલ આ હનુમાન ચાલીસા ખૂબ જ પ્રસિદ્ધ થયેલ. આ દરેક કાર્યમાં બેંગ્લોરના જલારામ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, રઘુવંશી યુવા સંઘના થનગનતા યુવાઓ, બાલ મંડળના બાળકો સાથે મહિલા બહેનોનો ખૂબ સાથ મળ્યો.
ત્યારબાદ શ્રીમતી પ્રતિમાબેન લાલ, પ્રતિમાબેન રૂખાણા, રેખાબેન ઠક્કરના પ્રમુખ પદે મંડળની પ્રવૃતિઓ વિસ્તાર પામતી ગઈ અને તેમા મંડળની ઉત્સાહી કમિટી બહેનોએ પણ તન-મન-ધન થી સેવા આપી. દરમહિને સભ્ય બહેનો માટે સામાન્ય સભા, જેમાં સમુહ પ્રાર્થના બાદ નિત-નવીન કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમ કે નિષ્ણાતો દ્વારા શારિરીક તેમજ માનસિક સ્વાસ્થ વર્ધક વાર્તાલાપ, ફી ચેક અપ, વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ અને હોસ્પીટલમાં ફૂટ તથા બિસ્કીટનું વિતરણ, વિવિધ હરીફાઈઓ, કમ્પયુટર વર્ગો, આનંદ મેળો, નવરાત્રિ વગેરે તહેવારોની ઉજવણી, શ્રાવણ અને અધિક માસમાં કાવેરી સ્નાન, ઉપરાંત ધાર્મિક યાત્રાઓ,વાર્ષિક પીકનીક તથા વયશ્રેષ્ઠી મહોત્સવ વગેરે.
મંડળની દશાબ્દિ તથા દ્વિદશાબ્દિ બન્ને સમયે સ્મરણિકાઓ બહાર પાડી હતી જેમાં મંડળની બહેનો દ્વારા લખાયેલા લેખો, પોતીકી રેસીપીઓ અને સભ્ય બહેનોના એડ્રેસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તદઉપરાંત વિદ્વાન શ્રી હરિભાઈ કોઠારી દ્વારા ત્રણ દિવસની વ્યાખ્યાન માળા તથા પૂ. ભુપેન્દ્રભાઈ પંડ્યા દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરી આધ્યાત્મિક લાભ લીધો હતો.
૨૦૧૪ થી પ્રમુખ મીતાબેન મોદીએ અનેરા ઉત્સાહથી જે નવા નવા કાર્યક્રમ યોજ્યા, જેમા ફેશન શો, પર્યાવરણ અને સામાજીક ઉન્નતી ના વાર્તાલાપ અને સમૂહ ભાગવત ખાસ ઉલ્લેખનીય છે.
૨૦૧૭ થી જ્યોતિબેન ખિરેયાના નેતૃત્વમાં તો મંડળે સફળતાની નવી સીમાઓ પાર કરી. માતાની ચોકી, રૂદ્રી પુજા, ત્રિદિવસીય દેવી ભાગવત, સમુહમાં રાંદલમાંના ૧૦૮ લોટા, અષ્ટવિનાયક શિરડી, વૈષ્ણોદેવી તેમજ નેપાલની સફર, આ તમામ અનુભવો સભ્ય બહેનો માટે અવિસ્મરણીય છે. ઉપરાંત ગુજરાતી સુપરહિટ ચલચિત્રો દ્વારા સહકુટુંબ મનોરંજનના કાર્યક્રમો યોજ્યા છે. સ્વાસ્થય સેવામાં ડાયાલીસીસ, નેત્ર શિબિર, કૃત્રિમ અંગો માટેનું યોગદાન નોંધપાત્ર છે.
૨૦૨૦થી નિમાયેલા મંડળના નવા પ્રમુખ શર્મિલાબેન ખિરેયા પણ પુરોગામી પ્રમુખોની સમાજ સેવાની પ્રથાને ઉત્સાહભેર આગળ ધપાવી રહ્યા છે. મંડળના ૩૮ વર્ષોમાં ક્યારેય પ્રમુખ પદ માટે ચૂંટણીનું આયોજન નથી કરવું પડયું પણ સર્વાનુમતે, પ્રેમપૂર્વક વરણી કરવામાં આવે છે.
આમ પૂ. જલારામ બાપા ની અસીમ કૃપાથી શ્રી બેંગલોર લોહાણા મહિલા મંડળ – જ્ઞાતિ પ્રેમ, સંગઠન અને સેવા ભાવનાની મધમધતી સુવાસ ફેલાવી રહ્યું છે.