Jalaram Bapa’s Life

પૂ.જલારામ બાપાની જીવન રૂપરેખા જપો નામ જલીયાણનું, કરે પાપનું નાશ કર જોડી મોહન કહે, રાખો દ્રઢ વિશ્વાસ.

સૌરાષ્ટ્ર એ તો સંતોની ભૂમિ છે. આ ભૂમિમાં દરેક સૈકામાં સંત મહાત્મા અને ભક્તો થયા છે જેને લઈને આ પવિત્ર ભૂમિની આકર્ષણ ખૂદ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનને થવાથી પોતે મથુરા છોડી આ ભૂમિમાં પધારેલ એવી આ ભૂમિમાં અઢા૨માં સૈકામાં એક મહાન ભક્તરાજ થઇ ગયા એ ભક્તરાજનું નામ જલારામ. એમનો જન્મ હાલના મધ્ય સૌરાષ્ટ્ર જીલામાં ગોંડલ અને જેતપુર વચ્ચે આવેલા વિરપુર ગામમાં લોહાણા જ્ઞાતિમાં સંવત ૧૮૫૬ના કારતક સુદ સાતમ ને સોમવારના જે નક્ષત્રમાં શ્રી રામ પ્રભુનો જન્મ થયેલ તે અભિજીત નક્ષત્રમાં થયેલો. પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ. જલારામ બાપા ત્રણ ભાઈઓ હતા મોટા બોઘાભાઈ , જલારામ બીજા નંબર અને દેવજીભાઈ નાનાભાઈ.

પ્રધાન ઠક્કર સાધારણ વેપારી વર્ગના માણસ હતા પણ એક સાચા ઈમાનદાર વેપારીને છાજતી તેમનામાં યોગ્ય વર્તણૂક હતી. તેમના ધર્મપત્ની રાજબાઈ પતિ પરાયણ શુદ્ધ ધાર્મિક સ્ત્રી હતા . એક દિવસ અયોધ્યા તરફથી રઘુવરદાસજી નામે સંત મહાત્મા દસ – વીસ સાધુઓ સહિત દ્વારકાની યાત્રાએ નિકળ્યા અને ફરતા ફરતા જુનાગઢ જતા વિરપુર ગામમાં આવી પહોંચ્યા અને પૂછતાં પૂછતા રાજબાઈ તથા પ્રધાન ઠક્કરની ઘરે ગયા. રાજબાએ સંતોનો સત્કાર કર્યો અને પ્રેમથી જમાડ્યા આથી સંત રધુવરદાસજીએ પ્રસન્ન થઈ આશીર્વાદ આપ્યા કે તમારે ત્યા એક પુત્ર થશે. તે આખી ગુજરાત ભૂમિને પવિત્ર કરી અને ભૂખ્યા દુખ્યાને સંતોને રોટલો આપી અમર નામના મેળવશે અને આશીષ આપી ચાલ્યા ગયા. મહાત્માના આશીર્વાદ પ્રમાણે માતા રાજબાઈએ પુત્રનો જન્મ આપ્યો શ્રી જલારામ.

જલારામ નાનપણથી જ તેજસ્વી હતા. એક વાર વૃદ્ધ સંત મહાત્મા રાજબાઇની ઘરે આવી ચડ્યા અને કહ્યું માતા તમારા બીજા પુત્રના દર્શન કરાવો. એટલામાં જલારામ રમતા ૨મતા ત્યા આવી ચડ્યા અને મહાત્માને દંડવત પ્રણામ કર્યા ત્યારે મહાત્માએ પૂછ્યું બચ્ચા મેરે કો પીછાનતા હો. ત્યારે બાળક જલારામે સ્મિત હાસ્ય કરી હાથ જોડી મસ્તક નમાવ્યું. આમ થયાની સાથે જે મહાત્મા અદ્રશ્ય થઈ ગયા. ત્યારથી જલારામ ઉઠતા બેસતા સીતારામ… રામ… રામ ના જપ કરવા માંડ્યા. ત્યાર બાદ ઉમરલાયક થતા તેમને યજ્ઞોપવિત ધારણ કરાવ્યો. અને જલારામ ઈચ્છા વિરૂદ્ધ આટકોટના પ્રાગજી સોમૈયાની દિકરી વી૨બાઈ સાથે લગ્ન કર્યા ત્યારે જલારામ નાખુશ હતા પણ વાલજીકાકાએ ગૃહસ્થાશ્રમનો ધર્મ સમજાવ્યો ત્યારે જલારામ કબુલ થયા.

લગ્ન થયા પછી જલારામ પોતાના પિતાજીની દુકાને બેસવા લાગ્યા. પણ જે કોઈ સાધુ સંતો આવે તેમને કાંઈ ને કાંઈ આપી દેતા. તેથી તેમના પિતા નારાજ થતા અને જલારામ ને કહ્યું કે આ અપલક્ષણ વેપારીના દિકરાને શોભે નહી. પણ જલારામે કહ્યુ કે પિતાજી હું કોઈને ના નહી પાડી શકુ. તેથી પિતાજી નારાજ થયા અને જલારામ ને જુદા કર્યા. જુદા થયા પછી જલારામ કાકાની દુકાને બેસવા લાગ્યા. એક વખત જલારામે સાધુ મંડળીને ઘી ગોળ લોટ વગેરે આપ્યા અને આની ફરિયાદ વાણિયાએ કાકાને કરી અને બાંધેલી વસ્તુ ખોલાવી તો ગોળની જગ્યાએ છાણા તથા ઘીની જગ્યાએ પાણી થઈ ગયા. અને વાણિયો ખોટો પડ્યો. આ બનાવ પછી જલારામ નું મન સંસાર ઉપરથી ઉઠી ગયુ અને અઢાર વર્ષની ઉમરે યાત્રામાં નિકળી બે વર્ષ યાત્રામાં રહી આવી , જુદો આશ્રમ બાંધ્યો અને બન્ને માણસ મજુરી કરી દાણા ભેગા કરી સદાવ્રત ચાલુ કરી દીધુ. પણ કંઠી નોતી બંધાવેલ તેથી અમરેલી ગયા અને ત્યા જઈ ભોની ભગતના આબખાવાળા પ્રખ્યાત ગુરુ ભોજલરામની કંઠી બંધાવી , શિષ્ય બન્યા અને સદાવ્રત આપવાની ઈચ્છા બતાવી. ગુરૂ ભોજલરામે આશીર્વાદ આપી કહ્યું કે નાની ઉમરમાં તારી પ્રવૃત્તિ જોઈ હું ઘણો રાજી થયો છું.

તમે વિરપુર જઈને સદાવ્રત ચાલુ કરો.જલારામ બાપા અને વિરબાઈમાં બન્ને ખેતરમાં મજૂરી કરતાં અને દાણા તેમને મળતા એમાંથી ૪૦ માપ દાણા વધેલા તેનાથી સદાવ્રત ચાલુ કર્યું અને દાણા ખૂટ્યા ત્યારે વીરબાઈ માંએ પોતાના દાગીના વેચી દાણાની સગવડ કરી. પ્રભૂ કૃપા કરે છે એને આપણે પરચા કહીયે છીએ. એવા પરચા જલારામના નામે દુખીયાઓને મળવા લાગ્યા. ગામમાં કોઈ સાજુ માંદુ થાય તો જલાભગત ની માનતા માને. અને માનતાઓ ચાલવા લાગી. માનતાઓ સફળ થવાથી માણસો અન્નક્ષેત્ર માં દાણાદણી અને રોકડ ૨કમ આપવા લાગ્યા.આમ જલાભગતની માનતાઓ ચાલી.

એક દિવસ જલાભગતની કસોટી કરવા ખૂદ ભગવાન સાધુના રૂપે જલારામ પાસે સેવા કરવા તેમની પત્ની વીરબાઈની માગણી કરી. જલારામે સાધુને પોતાના પત્ની સેવા કરવા અર્પણ કર્યા. સાધુ તથા વીરબાઈ વિદાય લઈ ગામથી ત્રણ માઈલ દુર ગયા હશે ત્યાં ભગવાનના રૂપમાં સાધુએ વીરબાને ઝોળી તથા ધોકો આપી જંગલ જઈ હમણા આવુ છુ એમ કહી અદ્રશ્ય થઈ ગયા. થોડીવાર તો માતાજી રોવા લાગ્યા. ત્યારે આકાશવાણી થઈ કે ધન્ય છે સતી તમને અને તમારા પતિને , હું તમારી કસોટી કરવા આવ્યો હતો , હવે મારા આપેલા ઝોળી – ધોકાનું પૂજન કરજો અને ભૂખ્યાને ટુકડો આપતા રહેજો. કોઈ વાતની ન્યૂનતા તમને રહેશે નહી. પછી માતાજીના સામૈયા થયા અને ભગવાને આપેલા ઝોળી – ધોકાને રામ મંદિરમાં પધરાવ્યા. ત્યાં આજે પણ દ૨રોજ પૂજન થાય છે. આ બનાવ પછી જલારામબાપાની ખૂબજ ખ્યાતી વધી.

જલારામ બાપાની વધતી જતી ખ્યાતિને લઈને ઘણા રાજા મહારાજઓ દર્શને આવ્યા અને ગરાસ દેવા લાગ્યા. પણ ભક્તોને ગરાસ કેવા રામનું નામ એજ એનો ગરાસ તેથી ગરાસ લીધા નહી છતા પણ ગોંડળનાં મહારાજાએ જલારામના નામથી પોતાના ગામમાં ચોખાનું સદાકાત ચરખડીમાં ચાલુ કર્યું. ધ્રાંગધ્રાના મહારાજાએ બળદથી ચાલતો લોટ દળવાનો મોટી ઘંટી જગ્યામાં અર્પણ કર્યો. ઘંટી હજી મોજુદ છે. પણ જલાબાપાના દેહાંત પછી ચોખાનું સદાવ્રત બંધ થઈ ગયું.

આવા પ્રભુપદને પામેલા ભકતરાજ શ્રી જલાબાપા ૮૧ વર્ષનું આયુષ્ય ભોગવી સંવત ૧૯૩૭ ના મહાવદ ૧૦ના રોજ ગૌલોક પામ્યા. પહેલા માતાજી ૧૯૩૫માં નિજધામ પધાર્યા. આવા પભુના સાક્ષાત્કાર પામેલા શ્રી જલારામબાપા અમર છે. અને તેનું સ્થાપેલું સદાવ્રત આજે પણ ચાલુ છે. જલારામના દેહાત પછી તેમના દિકરી જમનાબાઈ ના દિકરા કાળાભાઈ અને કાળાભાઈના દિકરા હરીરામને ઉતરાધિકારી નીમેલા. સંવત ૧૯૬૮માં હરીરામજી યાત્રામાં ગયેલા અને મથુરામાં કોલેરા થવાથી સ્વર્ગવાસ થયા. ત્યારબાદ મોંઘીબાઈએ કારભાર સંભાળેલ ત્યારબાદ વજુભાઈ વ્યવસ્થા રાખતા અને તેના પછી ગીરધરરામજી મહારાજે તેમના પૂર્વજોની ગાદી સંભાળેલ અને તેમના દેહાંત પછી જયસુખરામ સંચાલન કરે છે.આજે વિ૨પુ૨માં ૮ થી ૧૦ અતિથી ગૃહ છે.

જલારામ બાપાની જગ્યા – વિ૨પુ૨માં ત્રણ મહાન પર્વ ઉજવાય છે . એક રામ નવમી , બીજી જનમાષ્ટમી અને ત્રીજી કારતક સુદ સાતમ – તે પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ ખૂબજ ધામધૂમથી ઉજવાય છે . ચાલો આપણે પણ આ બાપાના મંદિરનું નિર્માણ કરેલ છે અને આ બેંગલોર શહેરને એક તીર્થ ભૂમિ બનાવીએ અને બાપાનો ડંકો વગડાવીએ .

મોરે મન પ્રભુ અસ વિશ્વાસા
રામશે અધિક રામ કર દાસા