જલારામ ભવન / મંદિર નિર્માણ ૧૯૯૨ – ૧૯૯૯
૧૯૪૯ માં શ્રી અમૃતલાલ લાલ બેંગ્લોર આવી સ્થાઈ થયા. અને જ્ઞાતી પ્રેમ ભાવના માટે શ્રી બેગ્લોર લોહાણા સમાજનું સ્વરૂપ આપી પ્રથમ પ્રમુખ તરીકે સુકાન સંભાળ્યુ જેમાં શ્રી ગોરધનભાઈ ઝવેરીનો પૂર્ણ સહયોગ મળ્યો .આ એક મંચ તૈયાર કરી સૌના સાથ સહકારથી બેંગ્લોર લોહાણા સમાજને ગતિશીલ કર્યો. બેંગ્લોરની પ્રગતિ, વ્યાપાર ધંધાનો વિકાસ અને ઉજજવલ ભવિષ્યને ધ્યાનમાં લેતા બેંગ્લોરમાં જ્ઞાતિજનો વધુમાં વધુ નિવાસ કરવા લાગ્યા. બંધુત્વ અને એકાત્મતાની ભાવના જ્ઞાતિજનો માં ઉત્કર્ષ થઈ. “સમાજની વાડી” બેંગ્લોરમાં હોવી જોઈએ તેવી અપેક્ષા શરૂ થઈ – પ્રયત્નો શરૂ થયા. દાયકાઓ વિતવા લાગ્યા. થોડી નિરાશા પણ આવી. ૧૯૯૨ ફ્રેબુઆરીમાં શ્રી બેંગ્લોર લોહાણા સમાજમાં પ્રમુખ તરીકે શ્રી અમુભાઈ રૂખાણાની વરણી ‘થઈ, તેમને લોહાણા મહાજન વાડી બનાવવા માટે ઘણા સમયથી ઇચ્છા હતી, જે ધ્યાનમાં લઈ આપણી જ્ઞાતિનાં આદરણીય – સર્વમાન્ય શ્રી ગોરધનભાઈ સોઢાએ તેમને સાથ સહકારના વચન આપીને “જલારામ ભવન – મંદિર” બનાવવા પ્રેરણા આપી જેનો પ્રતિસાદ રૂપે અમુભાઈએ પૂરા અંતઃ કરણ થી વધાવી લીધી. આ દિશામાં શ્રી સોઢાભાઈએ શુભ અને દઢ સંકલ્પ કરી પ્રયત્ન આરંભ કર્યો. તેમની વ્યક્તિગત સુવાસ – નિખાલસતા, શુધ્ધ અને ઉચ્ચ વિચારોના પરિણામે સર્વે જ્ઞાતિજનો માં એક અનેરો ઉત્સાહ અને વિશ્વાસ દેખાયો.
સર્વેના સાથ સહકારથી જમીન શોધવા અથાગ પ્રયત્નો પછી ૧૯૯૪ જુલાઈમાં રાજાજીનગર મધ્યે આપણા પ્રમુખ શ્રી અમુભાઈ રૂખાણાની કાર્યક્ષમતાની મધ્યસ્થી દ્વારા જમીન લેવા અને કાયદાકીય જ્ઞાન ધરાવતા જ્ઞાતિ સેવક શ્રી વસંતભાઈ પુજારાના સચોટ અનુભવથી તુરંતજ ટ્રસ્ટની વિધિસર સ્થાપના ૧૯૯૪માં કરી. પ્રથમ દશ ટ્રસ્ટીઓના યોગદાનથી જમીન ખરીદી. જ્ઞાતિજનો માં ઉભરી હર્ષની હેલી. સેવા ભાવનાની તત્પરતા માટે થનગનતા યુવા – સંઘ, જલારામ સેવા મંડળ તથા મહિલા મંડળ દ્વારા આર્થિક યોગદાનની અનેરી યોજનાઓ શરૂ થઈ. જેમાં નોંધનીય યોજના ૧૯૯૪ ફેબ્રુઆરીનi પહેલા ગુરુવાર થી મહિલા મંડળના સુત્રધાર વિમુબેન સોઢાની પ્રેરણા અને મંજુબેન વિઠલાણીનો સાથ તથા મહિલા મંડળની કમીટી બહેનોએ દર ગુરૂવારે જ્ઞાતિજનોનોને ઘરે ઘરે જઈ “ભજન સંધ્યાની” યાત્રા શરૂ કરી. જે ૧૯૯૯ જાન્યુઆરી ની પ્રાણ પ્રતિષ્ઠા સુધીમાં ૧૭ લાખની માતબર રકમ એકઠી કરી મહિલા મંડળે પૂજ્ય બાપાને ચરણે ધરી. જ્ઞાતિજનોની સ્વેચ્છા ને માન આપી તેમની ઘરે જઈ ટ્રસ્ટીઓએ યોગદાન સ્વીકારી બાપાને ચરણે ધરી.૧૯૯૫માં વાસ્તુ પૂજા દરમ્યાન સમાજની મીટીંગ માં માતૃભાષા પ્રત્યે પ્રેમ ધરાવતા જોઈન્ટ મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વસંતભાઈ પુજારાના અદ્ભુત વકતવ્ય થી પ્રેરાઈને યોગદાન નો પ્રવાહ સ્વેચ્છાએ આવવા લાગ્યો ૧૯૯૯ તા.૨૨- ૨૩ – ૨૪ જાન્યુઆરી માં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નું આયોજન કરી “જલારામ – ભવન” મંદિર નું પૂર્ણ નિર્માણ શરૂ કરી દર ગરૂવારે ભજન સંધ્યા અને બાપાના સિધ્ધાંત ને અનુસરીને નારાયણ સેવા ની શરૂઆત કરી.
ખાસ નોંધ – ભવન મંદિરના નિર્માણમાં પૂર્ણ ખર્ચામાં મહત્વનો બેંગ્લોર લોહાણા સમાજનો સ્વૈચ્છિક ફાળો મળેલ છે, જેની નામાવલી વિરબાઈ હોલમાં પ્રસિધ્ધ કરેલ છે. ભવનનાં પ્રવેશ દ્વાર માં એક સાંકળની ડીઝાઈન બનાવી છે, જેમાં સાત વર્ષ કરેલ સેવા અભિયાનમાં સમાજના દરેક સભ્યો પ્રેમની સાંકળમાં મોતીના મણકાની જેમ પરોવાઈ જઈ એકાત્મતાની ભાવના અનુભવી રહ્યા છે.